CPR તાલીમ શું છે અને કેમ લેવી જોઈએ : સીપીઆર (CPR) એટલે કાર્ડિયો પલ્મોનરી રીસસીટૌશન (Cardiopulmonary Resuscitation) જેમાં બેભાન થયેલ દર્દીની છાતી પર દબાણ આપવામાં આવે છે અને સાથે જ મોંઢા દ્વારા કૃત્રિમ શ્વાસ પણ આપવામાં આવે છે.
ઘણી વખત હાર્ટ અટેક વખતે અને શ્વાસ ન આવે એ વખતે દર્દી પર સીપીઆરનો (CPR)પ્રયોગ કરવાથી એમનો જીવ બચાવી શકાય છે. જો કોઈ વ્યક્તિને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે અને હ્રદય કામ કરતું અટકી જાય ત્યારે એમના શરીરમાં ઑક્સીજન પૂરું થવા લાગે છે અને એ મૃત્યુ તરફ આગળ વધે છે. એ ક્ષણે જો સમય રહેતા એમને સીપીઆર (CPR) મળી રહે તો એમનો જીવ બચી શકે છે.
સાંપ્રત સ્થિતિમાં આપણા સમાજમાં ખાસ કરીને કોરોના કાળ પછી યુવાધન કાર્ડિયાક બીમારીનો ભોગ બની રહ્યું છે. છેલ્લા ટૂંકા સમયગાળામાં ગુજરાતના ૧૦૫૨ નાગરિકોએ હાર્ટ અટેક, કાર્ડિયાક એરેસ્ટ જેવા કારણોથી જાન ગુમાવેલ છે. કંપારી ઉદભવે તેવી બાબત એ છે કે આ મૃત્યુઆંકમાં ૮૦ ટકાથી વધુ યુવાનો છે. યુવાનોના ગરબા રમતાં, જીમમાં કસરત કરતા કે કામ કરતી વખતે અચાનક મૃત્યુના સમાચાર આપણને ઘણો મોટો આઘાત આપે છે.
દુનિયાથી દૂર થતો યુવાન કે નાગરિક કોઈકનો તો કુટુંબી કે પ્રિયજન છે જ. વિદ્યાર્થી, યુવાન કે સમાજના કોઈપણ નાગરિકને આ રીતે આવતા કાર્ડિયાક ઍટેકથી બચાવવા પ્રાથમિક સારવાર સ્વરૂપે આપણે સજ્જ થવાની જરૂર છે. આવી સ્થિતિમાં શરૂઆતની દસ પંદર મિનિટ ખૂબ જ અગત્યની હોય છે. જેમાં જો પ્રાથમિક સારવાર મળે તો મોટાભાગે જીવન બચી શકે છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની પહેલ તેમજ આરોગ્ય વિભાગના સહકારથી નિષ્ણાત ડોક્ટરોની ટીમો દ્વારા અપાનારી ૩જી તથા ૧૭મી ડિસેમ્બરની સી.પી.આર. તાલીમમાં એક કલાક ટ્રેનિંગ લઈ આકસ્મિક રીતે બનતા આવવા બનાવવામાં આપણે ફક્ત આપણી શાળામાં જ મદદરૂપ થઈ શકીએ તેમ નથી, આપણા ઘર પરિવાર, કુટુંબ, સોસાયટી, ફળિયા,મહોલ્લા,ગામ, શાળા બહાર મુસાફરી કરતી વખતે સામાજિક મેળાવડાઓ કે અન્ય પ્રસંગોએ કોઈકને પણ આવી તકલીફ થાય તો પ્રાથમિક સારવાર આપી નવજીવન બક્ષી આપણા નાગરિક ધર્મનું પાલન કરી શકીએ તેમ છીએ.
MYGUJJU ગુજરાત રાજ્યના સૌ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, સદસ્ય તથા શિક્ષક મિત્રોને નિ:સ્વાર્થ ભાવે રાષ્ટ્રહિત પ્રથમહિત માની સૌને આ પ્રાથમિક સારવારની સી.પી.આર. તાલીમમાં ૧૦૦% જોડાવા હાર્દિક અપીલ કરે છે.આપણે સૌ ઉત્સાહ પૂર્વક આ તાલીમ લઈને સમાજરુણ અદા કરીએ.