વૈશ્વિક સ્તરીય ગુણવત્તાસભર ઉત્પાદન માટે ગુજરાત સરકારનું ક્રાંતિકારી કદમ:ઝેડ સર્ટિફિકેશન માટે લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગોને સરકાર નાણાંકીય સહાય આપશે ઉત્પાદનના માપદંડોને બહેતર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ સર્ટિફિકેટ અપાશે.
લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો દેશના અર્થતંત્રમાં મહત્વનો સ્તંભ છે. ભારત સરકારના એમએસએમઇ મંત્રાલય દ્વારા આવા ઉદ્યોગો વૈશ્વિક સ્પર્ધામાં અગ્રેસર રહે તે માટે ક્રાંતિકારી કદમ ઉઠાવવામાં આવ્યા છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો માટે ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ એટલે કે ઝેડ નામની એક યોજના અમલમાં મૂકી માન્યતા આપવાનું શરૂ કર્યું છે. આ યોજના થકી ગ્લોબ માર્કેટમાં ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન મળવા સાથે આત્મનિર્ભર ભારતની સંકલ્પના પણ સાકાર કરવામાં આવશે.
ઝેડ યોજના શું છે ?
તેની ટૂંકમાં માહિતી આપતા વડોદરા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી શક્તિસિંહ ઠાકોરે જણાવ્યું કે, આ યોજના હેઠળ એમએસએમઇ ઉદ્યોગોને ઝેડ સર્ટિફિકેટ આપવામાં આવશે. આ પ્રકારના ઉદ્યોગોમાં વેસ્ટેજ ઘટાડવા, માર્કેટનું વિસ્તાર કરવા, વીજળી અને કુદરતી સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને પર્યાવરણહિતેષી બનાવવા સાથે ઉત્પાદન ક્ષમતા વધારવા માટે આ પ્રમાણપત્ર આપવામાં આવશે. આવા ઉદ્યોગો બેસ્ટ પ્રેક્ટિસ અપનાવે, વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે ઉત્પાદનના માપદંડોને બહેતર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ સર્ટિફિકેટ આપવામાં આવશે. આ પ્રમાણપત્ર આઇએસઓ જેવું છે, પણ ભારત સરકાર હવે ઉદ્યોગો માટે ઝેડ આપશે.
ઉક્ત ત્રણ પ્રકારના પ્રમાણપત્ર મેળવવા માટે સરકાર દ્વારા કેટલાક માપદંડો નિયત કરવામાં આવ્યા છે. જેમાં એમએસએમઇ ઉદ્યોગોએ પોતાના ઉત્પાદનની ગુણવત્તા, સુરક્ષા, સ્વચ્છ ઉત્પાદન પ્રકીયા, વીજળી અને પર્યાવરણ જેવા માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રમાણપત્ર મેળવવા માટે ઉદ્યોગ આધાર નંબર સાથે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી એકમની પ્રાથમિક માહિતી અપલોડ કરવાની રહે છે. બ્રોન્ઝ માટે રૂ. ૧૦ હજાર, સિલ્વર માટે રૂ. ૪૦ હજાર અને ગોલ્ડ માટે રૂ. ૯૦ હજાર ફિનું ધોરણ છે, પરંતુ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને અનુક્રમે ૮૦,૬૦ અને ૫૦ ટકા સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત જો આ ઉદ્યોગોના માલિક મહિલા, અનુસૂચિત જાતિ અને જનજાતિ હોય તો વધારાની ૧૦ ટકા સબસિડી મળશે. ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ નોંધાયેલા ઉદ્યોગોને ૫ ટકા અતિરિક્ત સબસિડી આપવામાં આવશે. ઝેડ સર્ટિફિશેનમાં જોડાણ થતાં રૂ. ૧૦ હજારનો પુરસ્કાર આપવામાં આવશે.
એમએસએમઇ મંત્રાલય દ્વારા ઝેડ સર્ટિફિકેશન માટે નાણાંકીય સહયોગ પણ આપશે. જેમાં ટેસ્ટિંટ, સિસ્ટમ અને પ્રોડક્ટના પ્રમાણીકરણ માટે નાણાકીય સહાય, ઉદ્યોગ સંચાલન માટે સહાય, ઝીરો ઇફેક્ટના સોલ્યુશન માટે અપગ્રેડ કરવાની થતી ટેક્નોલોજી ઉપર પણ સહાય કરવામાં આવશે. આ યોજના ૩૧ માર્ચ,
૨૦૨૬ સુધી અમલમાં રહેશે. ઝેડ યોજનાની વધુ વિગતો માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્કકરી શકાય છે.