Rajasthan Election 2023: મતદાનની વચ્ચે રાજસ્થાનમાં ભયંકર બબાલ: ફતેહપુર શેખાવાટીમાં બે જૂથો વચ્ચે ભયંકર પથ્થરમારો, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ.રાજસ્થાનમાં ફતેહપુર શેખાવાટીમાં બંને જૂથો વચ્ચે ભારે તંગદિલી સર્જાઈ હતી અને સામ સામે પથ્થરમારો કર્યો હતો
- રાજસ્થાનમાં 199 બેઠકો પર મતદાન
- મતદાન દરમિયાન ફતેહપુર શેખાવાટીમાં બબાલ
- બે જૂથો વચ્ચે સામ સામે પથ્થરમારો થયો
રાજસ્થાનમાં આજે 199 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ફતેહપુર શેખાવાટીથી બબાલના સમાચાર આવ્યા છે. અહીં બંને જૂથો વચ્ચે ભારે તંગદિલી સર્જાઈ હતી. મતદાનના દિવસે જ એટલે કે, આજે બે જૂથો વચ્ચેના તણાવ દરમિયાન ભીડ કાબૂ બહાર ગઈ હતી અને ભારે પથ્થરમારો થયો હતો. તેમજ અન્ય તમામ સ્થળોએ શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે.
સ્થિતિ કાબુમાં
એક કલાક સુધી અહી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળે પહોંચેલા સુરક્ષાદળોએ ભીડને કાબૂમાં લીધી હતી અને પથ્થર ફેંકનારા લોકો ભાગતા જોવા મળ્યા હતા. સ્થિતિ શાંત થયા બાદ ફરી મતદાન શરૂ થયું છે. આ તણાવ થોડા સમય માટે જ રહ્યો હતો પરંતુ આ દરમિયાન રસ્તા પર ભારે પથ્થરમારો થઈ ગયો હતો. લોકો તેમના ઘરની છત પરથી પથ્થર ફેંકતા જોવા મળ્યા હતા. હાલ પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો સ્થળ પર તૈનાત છે અને સ્થિતિ કાબુમાં આવી છે.
1,02,290 સુરક્ષાકર્મીઓ તૈનાત
તમને જણાવી દઈએ કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજ મતદાન થઈ રહ્યું છે. રાજ્યની 200માંથી 199 બેઠકો માટે આજે મતદાન ચાલી રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર ગુરમીત સિંહ કુન્નરના નિધનને કારણે એક બેઠક પર મતદાન નથી. રાજસ્થાનમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે કુલ 1,02,290 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. કુલ 69,114 પોલીસકર્મીઓ, 32,876 રાજસ્થાન હોમગાર્ડ, ફોરેસ્ટ ગાર્ડ અને RAC જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે CAPFની 700 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.